નરેન્દ્ર મોદી પોતાને દેશના ચૌકીદાર કહે છે, જ્યારે કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી કહે છે કે ચૌકીદાર ચોર છે, આ મામલે ભાજપ અને કોંગ્રેસ એકબીજા ઉપર આક્ષેપ કરી રહ્યા છે, પરંતુ અમદાવાદના એક પબ્લીસર્સ જયેશ શાહે ચૌકીદાર પર ચર્ચા નામનું એક પુસ્તક પ્રસિધ્ધ કરતા અમદાવાદના મુખ્ય ચૂંટણી અધિકારીને આ પુસ્તક સામે વાંધો પડયો છે. હાલમાં આ પુસ્તક ઉપર પ્રતિબંધ મુકવો કે નહીં તે અંગે ચૂંટણી પંચ વિચારણા કરી રહ્યુ છે.

કોંગ્રેસના સમર્થક રહેલા જે આર પબ્લીકેશનના માલિક જયેશ શાહ દ્વારા નરેન્દ્ર મોદી ઉપર ફેકુ નામનું પુસ્તક 2017માં તૈયાર કરવામાં આવ્યું હતું. જ્યારે હવે 2019ની ચૂંટણી પહેલા હિન્દી ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ચૌકીદાર ઉપર ચર્ચા નામનું પુસ્તક તૈયાર કરવામાં આવ્યુ છે. 66 પાનાના આ પુસ્તકમાં નરેન્દ્ર મોદી ઉપર વિવિધ પ્રકારના કાર્ટુન પણ મુકવામાં આવ્યા છે. આ પુસ્તકની કિંમત 200 રૂપિયા હોવા છતાં લોકો ખરીદવા માટે આવી રહ્યા છે.

આ પુસ્તકને કારણે આચાર સંહિતાનો ભંગ થઈ રહ્યો છે તેવી ફરિયાદ ચૂંટણી પંચને વોટસએપ દ્વારા મળતા અમદાવાદ કલેકટર દ્વારા તેની તપાસ સોંપવામાં આવી હતી, મામલતદાર દ્વારા આ મામલે તપાસ શરૂ કરી જયેશ શાહનો જવાબ પણ લેવામાં આવ્યો હતો. જેમાં જયેશ શાહે નોંધાવ્યું કે નરેન્દ્ર મોદી દેશમાં હોય છે ત્યારે તેઓ પોતાની ઓળખ ચૌકીદાર, ફકીર અને ચાવાળા તરીકેની આપે છે અને જ્યારે તેઓ બ્રહ્નમાંડના પ્રવાસે હોય છે ત્યારે જ વડાપ્રધાન હોય એટલે દેશમાં પોતાની વિવિધ ઓળખ આપતા નરેન્દ્ર મોદીની વેશભૂષા ઉપરની આ ચર્ચા છે.

જયેશ શાહે ચૂંટણી પંચને આ પુસ્તકનું પ્રિન્ટીંગ ક્યાં થયું છે તેની માહિતી આપવાનો ઈન્કાર કરતા કહ્યું કે પુસ્તકને કારણે આચાર સંહિતાનો ભંગ થતો નથી જેવી રીતે નરેન્દ્ર મોદીની બાયોપીક ફિલ્મ બની છે. તેવી જ રીતે તેમણે નરેન્દ્ર મોદીના વિવિધ રૂપ પ્રજા સામે મુકી આયનો બતાડવાનો પ્રયાસ કર્યો છે. જયેશ શાહના આ જવાબ બાદ હવે ચૂંટણી પંચ નક્કી કરશે કે આચાર સંહિતાનો ભંગ થાય છે કે નહીં જો નિયમોનો ભંગ થતો હશે તો પુસ્તકો જપ્ત કરવાની અને બજારમાં ગયેલા પુસ્તકો પરત ખેંચવાની કાર્યવાહી કરવામાં આવશે.