બે ટર્મથી ગુજરાત કોંગ્રેસમાં મંત્રી તરીકે કાર્યરત

સુરત લોકસભા બેઠક માટે કોંગ્રેસે ફરી એક વાર પાટીદાર સમાજ પર ભરોસો મૂક્યો છે. ભાવનગરના યુવા ચહેરા અશોક સાંસપરા(આધેવાડા)ને ટીકીટ આપી ભાજપને પડકાર ફેંક્યો છે. અશોક સાંસપરા મૂળ ભૂત રીતે કોંગ્રેસી છે અને પાછલી બે ટર્મથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં મંત્રી તરીકે કાર્યરત છે. આ ઉપરાંત યુવક કોંગ્રેસ સાથે પણ ઘનિષ્ટ સંપર્ક અને સંગઠન ધરાવે છે.

મૂળ ભાવનગરના આધેવાડા ગામના વતની એવા 45 વર્ષીય અશોક સાસપરા પાટીદાર સમાજ માટે નવો અને બિનવિવાદિત ચહેરો છે. તેઓ રિઅલ એસ્ટેટ અને કન્સટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. એવું કહેવાય છે ભાવનગરના આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરીને કોંગ્રેસમાં ટીકીટનો દાવો કર્યો હતો. સુરતમાં રહેતા ભાવનગરના પાટીદારો કોંગ્રેસથી આઘા ચાલતા આવ્યા છે.

કોંગ્રેસ વર્તુળો મુજબ કોંગ્રેસમાં બિનવિવાદિત વ્યક્તિ તરીકે અશોક સાંસપરાના નામની ગણના થાય છે. બીજી મહત્વની વાત એ છે કે તેમની સેક્યુલરઈમેજ હોવાથી મુસ્લિમ ઉપરાંત દલિત અને અન્ય સમાજોમાં પણ સારી એવી પકડ જોવા મળે છે. આમ તો ત્રણ અટક સાથે અશોક સાંસપરની ઓળખ છે. એક ઓળખ અશોક આધેવાડા તરીકે છે, બીજી તેમની પોતાની અટક સાંસપરા અને ત્રીજી પટેલ છે. પણ તેઓ અશોક અધેવાડા તરીકે વધુ ઓળખાય છે.